Tags

,

K. M. Munshi

ક. મા. મુન્શી

આશરે સાતસો વર્ષ પછી ગુજરાતની સત્તા ગુજરાતીઓના હાથમાં ઘણે અંશે આવે છે. આપણા ઈતિહાસનું એક પ્રકરણ પૂરું થાય છે ને નવું શરૂં થાય છે. આવે વખતે આપણી સંસ્કૃતિનાં સ્થાન ને દિશા વિષે સામાન્ય રીતે બધાને વિચાર આવે.

એક સાંસ્કારિક વ્યક્તિ ગુજરાત એક સાંસ્કારિક વ્યક્તિ છે એમ ૧૯૨૩માં મેં કહ્યું હતું. સાડત્રીસ વર્ષ પછી આજે આપણે કહી શકીએ કે ગુજરાતીઓનું સામુદાયિક વ્યક્તિત્વ વધારે ખીલ્યું છે અને તેના વિકાસ માટે અવકાશ નિ:સીમ થઈ રહ્યો છે. દરેક સમુદાયના વ્યક્તિત્વનો પાયો તેના નિવાસસ્થાનની વિશિષ્ટતામાં હોય છે. તે જ પ્રમાણે ગુર્જરભૂમિની વિશિષ્ટતાનો આધાર આપણાં ભૌગોલિક બળો પર રહ્યો છે. આ ભૌગોલિક બળોમાં મુખ્ય ગુજરાતના સીમાડાની સુબદ્ધતા છે. પશ્ચિમે અતૂટ સમુદ્રકિનારો; ઉત્તરે રણ ને આબુ; પૂર્વે અરવલ્લી, વિંધ્ય, સાતપુડા અને સંહ્યાદ્રિની શૃંગાવલિઓ: આ બધાના કારણે ભારતની સપાટ ધરતીમાં આપણો પ્રદેશ ઘણી રીતે અલગ બની રહે છે. ઘણે અંશે સુબદ્ધ એવી સીમાઓને લીધે બીજા પ્રદેશો કરતાં આપણું જીવન એકધારું થવા પામ્યું છે ને વર્ણદ્વેષનાં ઝેર આપણા સમાજમાં થોડા પ્રમાણમાં છે. આ જોતાં ગુજરાતીઓના હાથમાં આવેલી સત્તાનો સદુપયોગ થાય તો દરેક વર્ણના ને વર્ગના ગુજરાતીઓમાં સમાનતા તેમ જ સમસંસ્કારિતા આણવાં સહેલાં થઈ પડે એમ છે.

ભૌગોલિક વિશિષ્ટતા ગુજરાતની બીજી વિશિષ્ટતા એની ભૂમિની ફળદ્રુપતા છે. ગુર્જરભૂમિ નદીતટોની બનેલી હોવાથી રસાળ છે અને તેથી ગુજરાતીઓનું જીવન પ્રમાણમાં સુખી રહ્યું છે. આ ભૌગોલિક વિશિષ્ટતાનો આર્થિક દ્રષ્ટિએ આપણે પૂરેપૂરો લાભ ઉઠાવી શકીએ. ઈ.સ. ૧૮૮૫ સુધી ઉત્તર ને દક્ષિણ ભારતને સાંકળનાર ધોરી માર્ગોમાં નાસિક-વલસાડનો રસ્તો મુખ્ય હતો. પરિણામે ભારતનો ઘણો ખરો સાંસ્કારિક વ્યવહાર ગુજરાતમાં થઈને વહ્યા કરતો અને વહેતાં આપણા જીવન પર રંગ ચડાવતો જતો. ચાલુક્ય વંશનું રાજ્ય ગુજરાતમાં હતું ત્યાં સુધી આર્યસંસ્કૃતિનાં અનેક કેન્દ્રો ગુજરાતમાં હતાં. ૧૨૯૯માં અણહિલવાડ પાટણ તૂટ્યું ત્યાર પછી પણ ભારતીય સંસ્કારનો ધર્મ અને વિદ્યાનો વારસો આપણને મળતો રહ્યો. એ વાત ખરી કે સંસ્કારોની સર્જનશક્તિ ઘટી અને પ્રખર વિદ્વત્તા ને સૂક્ષ્મ ભાવનાનો ચેપ આપણને ન લાગ્યો. ગુજરાતીઓએ પરાપૂર્વથી સમુદ્રતટવાસીઓને સુલભ કુનેહ કેળવી હતી. વિદેશો સાથે વ્યવહાર કરવો એ એમના ખમીરમાં હતું. ચોર્યાસી બંદર પર ગુજરાતનો વાવટો ફરકતો. આજે પણ ભારતના વિશ્વવ્યાપારમાં ગુજરાતીઓનો મોટો ફાળો છે-ઘણો ખરો મુંબઈ દ્વારા. આ વ્યવહારને કારણે આપણે પરદેશીઓના સમાગમમાં આવતા ગયા અને એથી આપણા સ્વભાવમાં ઉદારતા ને સહિષ્ણુતા આવ્યાં. ધનવૈભવનો મોહ વધ્યો. વ્યવહારુ કાર્યસાધકતા આપણા સામુદાયિક સ્વભાવનું લક્ષણ બન્યું. આ વ્યવહારિકતાને લીધે આપણને ઘણાં મૂલ્યો સાંપડ્યાં. સ્ત્રીસ્વાતંત્ર્ય અને તેના ફળસ્વરૂપ મિતવિલાસિતા અને ડહાપણભર્યું દાંપત્ય આપણામાં આવ્યું. વળી, ધર્મનું ઝનૂન કેળવવાને બદલે વ્યવહારમાં નીતિ સાચવવા તરફ આપણું ધ્યાન ગયું. ગુજરાતીઓએ સાતસો વર્ષ પર સ્વાધીનતા ગુમાવી તેને લીધે આપણા જીવનમાં પરાક્રમશીલતાનું સ્થાન ગૌણ બન્યું. તેનું પરિણામ એ આવ્યું કે આપણો સ્વભાવ સુંવાળો બન્યો અને લડાયક પ્રજાઓ સામે મક્કમતાથી વિરોધ કરવાની આપણી શક્તિ ક્ષીણ થતી ગઈ. ચતુર વ્યવહારથી કામ કાઢી લઈ સંતોષ માનવાની વૃત્તિ વધી.

રાષ્ટ્રીય એકતાની ઝાંખી ઓગણીસમી સદીની મધ્યમાં અર્વાચીનોમાં આદ્ય એવા નર્મદે ‘જય જય ગરવી ગુજરાત’ની ઘોષણા પહેલવહેલી કરી. સાથે સાથે અંગ્રેજી શાસન, નવાં સ્થપાયેલાં વિશ્વવિદ્યાલયોની કેળવણી અને અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ એ ત્રણ વડે આપણને રાષ્ટ્રીય એકતાની ઝાંખી થઈ. ઈ.સ. ૧૯૦૪ પછી સ્વાધીનતાની ઝંખના વધતી ગઈ, તીવ્ર થઈ, ને આખરે ગાંધીજીના પ્રતાપે સક્રિય આંદોલનમાં મૂર્ત થઈ. તેમની પ્રેરણાથી ગુજરાત આત્મસર્પણના પાઠ શીખ્યું. પછી સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું અને ભારતની પ્રજાએ વૈધાનિક ગણતંત્ર સ્થાપ્યું પણ રાષ્ટ્રીય એકતાની ભાવના જેમ જેમ થતી ગઈ, તેમ તેમ પ્રદેશે પ્રદેશની અસ્મિતા પણ વધતી ગઈ. પ્રાદેશિક ઈતિહાસના પુનર્સર્જને દરેક પ્રદેશનો ગર્વ પોષ્યો. મહારાષ્ટ્રમાં શિવાજીને અવસાન પામ્યે આઠ સદીઓ થઈ પણ તેમની કીર્તિગાથાના સ્મરણ ને મનનથી મહારાષ્ટ્ર-ગુજરાતમાં પ્રાદેશિક રાષ્ટ્રીયતાના અંકુર ફૂટ્યાં. આવું માત્ર આ બે પ્રદેશમાં નથી થયું પણ દરેક પ્રદેશમાં થયું છે. જેમ જેમ પ્રાદેશિક ભાષાઓની અભિવૃદ્ધિ થતી ગઈ તેમ તેમ પ્રાદેશિક અસ્મિતા વધતી ગઈ. સંસ્કૃત અને અંગ્રેજીની અવગણના થવા લાગી. ખાસ કરીને ૧૯૫૦ પછી ભાષાવાદ પ્રબળ થયો – રાષ્ટ્રવાદના ભોગે. જેમ બીજા પ્રદેશોમાં થયું તેમ ભાષાવાદે ગુજરાતની અસ્મિતા દ્રઢ કરી. એટલું જ નહીં પણ તેને આક્રમક બનાવી દીધી. આજે હવે તેને સ્વાધીન રાજ્યતંત્રનું સમર્થન મળ્યું છે. ગુજરાતનું સાંસ્કારિક વ્યક્તિત્વ જેમ સુરેખ થતું ગયું તેમ અસહિષ્ણુતા પણ વધતી ગઈ. સ્વાધીન રાજ્યતંત્ર સ્થાપાતાં આર્થિક ઉન્નતિ મેળવવા તરફ ગુજરાતનું ધ્યાન એકાગ્ર થશે, અને થવું જોઈએ; પણ આપણો કાર્યસાધકતાનો મોહ સંસ્કાર પર કેવી અસર કરશે તે વિચારવાનું રહે છે. આપણા સાહિત્યમાં ઉંડા ઘેરા ભાવો, ઉત્કટ ભાવનાનાં ઉડ્ડયનો ને સૂક્ષ્મ સૌન્દર્યદ્રષ્ટિ થોડા પ્રમાણમાં નજરે પડે છે. આર્થિક કાર્યસાધકતાનાં વહેણમાં આમાંનુ જે કાંઈ છે તે પણ ઘસડાઈ ન જાય તે જોવાનું રહે છે.

વ્યવહારદક્ષ ગુજરાત ગુજરાત ધન પ્રાપ્ત કરવાનું એ ચોક્કસ. એના રાજકીય પુરુષો વ્યવયારુ હોવાના એ પણ નિ:સંદેહ. ઘણા પ્રશ્નોનો ઉકેલ ગુજરાત ડહાપણથી લાવશે એ પણ ખરી વાત. એટલે આજે જે રીતે વિજ્ઞાનને લીધે સમસ્ત સંસાર એક બની રહ્યો છે તે જોતાં ગુજરાતીઓ આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં સહેલાઈથી નિષ્ણાત થઈ શકશે. પણ એક ખામી રહી જવાનો ડર છે. પરાક્રમશીલતાનો આપણામાં અભાવ છે. તેથી રાજ્યતંત્રથી દબાઈને ચાલવાની આપણી વણિકવૃત્તિ પ્રબળ થયા વિના રહેવાની નથી. આ દિશામાં આપણે ધ્યાન ન આપીએ તો ગુજરાતમાં શિસ્તને નામે પરાધીનતા જરૂર આવે. આપણામાં ધર્મનું ઝનૂન નથી છતાં આપણે પ્રજા તરીકે ધર્મપ્રિય રહ્યા છીએ અને હજુ સુધી સામાન્ય રીતે નીતિમય જીવન ગાળતા આવ્યા છીએ. ધર્મથી દૂર રહેવાની ‘પ્રગતિવાદીઓ’ની ધગશમાં અને ‘હોલીવૂડ’ જીવવના આકર્ષણમાં આપણાં એ લક્ષણો સાચવી રાખવાનું અઘરું બને એમ પણ સંભવે. જો મારું આ દર્શન ખરું હોય તો વ્યવહારુ ડહાપણ અને સમૃદ્ધ જીવન આપણી સામે જરૂર આવીને ઊભું રહેશે, પણ સાંસ્કારિતાનાં સામાન્ય ધોરણો સાચવી રાખવા માટે આપણે મહાપ્રયત્ન કરવો પડશે. ભાવનાનાં ઉંચા શિખરો દુર્ગમ ન થઈ પડે તેની ચિંતા કરવી રહેશે. સંસ્કાર એ વ્યવહારિક જીવન અને ભાવનાદ્રષ્ટિ બેના સંપૂર્ણ સમન્વયથી થાય છે. એ સમન્વય જો આપણે પૂરેપૂરો સાધી શકીએ તો જ ગુજરાતની સંસ્કૃતિ ફૂલે અને ફાલે.

Advertisements